‘યાદગાર કાવ્યો’-કાવ્યોનો મિતાક્ષરી પરિચય
સેમ-2,
ગુજરાતી વિષય-પે.નં-3 અભ્યાસક્રમ : (પ્રો.ડો.રમેશ સાગઠિયા.)
મહેન્દ્ર
મેઘાણી સંપાદિત ‘યાદગાર કાવ્યો’નું
સમગ્રલક્ષી મૂલ્યાંકન કરો.
લોકમિલાપ
ટ્રસ્ટ-ભાવનગર.
==============================
25 કાવ્યો
:
1=’રસ્તો’- કવિશ્રી
રતિલાલ ‘અનિલ’ :
આ એક ગઝલ રચના છે, કવિ રતિલાલની આ રચના છે. શીર્ષક ‘રસ્તો’ અહી કાવ્યનાં
કેન્દ્ર સ્થાને છે, રસ્તો શહેર તરફ, જંગલ તરફ, સંસાર તરફ, સાધુતા તરફ, ક્યારેક
વખાણ ક્યારેક નિંદાનો ભોગ બને છે રસ્તો, ક્યારેક વાસ્તવિક તો ક્યારેક મૃગજળ જેવો,
ખીણ જેવો તો ક્યારેક પહાડ સમાન, કોઇપણ મુસાફર માટે મંઝિલનો મહિમા, રસ્તાની શરમ,
રસ્તો સંતાય જાય, ક્યારેક જીવનમાં પણ રસ્તો આગળ જતો લાગે, ક્યારેક પાછળ જતો લાગે,
કાવ્યનાં અંતે સુંદર અને સચોટ સંદેશ આપતો શેઅર છે :
‘નથી એક માનવી પાસે
બીજો માનવ હજી પહોંચ્યો;
‘અનિલ’, મેં
સાંભળ્યું છે, ક્યારનો બંધાય છે રસ્તો’.-આ એક સુંદર ગઝલ
છે.
2=
‘એ
જિંદગી’-(નટવરલાલ
પંડ્યા ‘ઉશનસ’)
: આ કાવ્યમાં જિંદગી વિશેનું ચિંતન જોવા મળે છે, એક તરફ ઉન્મત સરઘસ તો બીજી તરફ
ડાઘુઓની ગમગીની સમાન જિંદગી, ક્યારેક ભરતી ક્યારેક ઓટ, ક્યારેક વસંત સમાજ તો
ક્યારેક અષાઢી મેઘ જેવી છે આ જિંદગી. ક્યારેક સ્મિત તો ક્યારેક ડૂંસકું ભરતી
જિંદગી, આમ, જિંદગીનાં જુદા જુદા રુપની કલ્પના કરીને કવિએ બંન્નેનાં સમન્વય સમાન
જિંદગીનો મહિમા કર્યો-ગાયો છે.
3=’આપની યાદી’-(સૂરસિંહજી
તખ્તસિંહજી ગોહિલ ‘કલાપી’)
: આ કવિ કલાપીની ગઝલ છે, યુવાનોનો, રાજવી કવિ કલાપી, દાસી મોંઘીના પ્રણયનાં ભાવને
પોતાની ગઝલમાં રજૂ કરે છે, કહે છે, જ્યાં જ્યાં નજર મારી ઠરે છે ત્યાં સર્વત્ર
આપની યાદી જ ઝરે છે, માસૂકોના ગાલની લાલી, ચમન, ફૂલ, દરિયાની મીઠી લહેરમાં, આકાશનાં
તારલિયાઓમાં, આંખની અદશ્ય સમાન ગેબી કચેરીમાં, ક્ષણે ક્ષણની સિતારીઓનાં સૂરમાં,
સિતમમાં, શરાબીપણામાં, અહેસાનમાં, નજરનાં મિલનમાં, રાહમાં અને રાહદારીમાં,
નવા-જૂનામાં, રોતાં-હસતાં, કિતાબોમાં અને કિસ્મતમાં સર્વત્ર આપની યાદી-સંભારણા છે,
આ ગઝલનાં બે શેઅર સચોટ, સ્પર્શી જાય તેવા અને સરસ છે. જુઓ.. :
‘દેખી બૂરાઇ ના ડરું
હું, શી ફિકર છે પાપની ?,
ધોવા બૂરાઇને
બધે ગંગા વહે છે આપની !’
તેમ
જ
‘કિસ્મત કરાવે ભૂલ તે
ભૂલો કરી નાખું બધી;
છે આખરે તો એકલી ને એ જ યાદી
આપની.’
4=’ગુજારે જે
શિરે’-બાલાશંકર
કંથારિયા : આ ગઝલ છે, જીવનનાં સુખ-દુ:ખ, હર્ષ-શોક અને વિરહ-મિલન વગેરે જેવી કોઇપણ
સ્થિતિમાં ઇશકૃપા ગણજે, તારા શિર પર જે સ્થિતિ-પરિસ્થિતિ-અવસ્થિતિ આવી પડે-આવી મળે
તેનો સ્વીકાર કરતા શીખજે, એ જ તારો ગુરુ છે, દુનિયાદારીનાં સંબધો બહુધા સ્વાર્થી
અને સ્વકેન્દ્રી જ હોય છે, એના બદલામાં તારો આનંદ ના ગુમાવજે, જગતનો પર્યાય રુદન
છે, પણ તું આનંદનું સંતાન છે, સારા-નઠારા, અમીરી-ગરીબી, પ્રેમ-વ્હેમ,
શંકા-શ્રધ્ધાની વચ્ચે અટવાય છે માણસ, તારું સુખ બહાર નથી તારી અંદર છે, કટુવાણી
અને બટુવાણીનો સમાજ છે, જગતનાં ઝેર પી જવા, વફા-બેવફા જેવી બંન્ને સ્થિતિમાં
મજામાં રહે, એ તારું મૂલ્ય. ઇશ્વરે શ્વાસોશ્વાસની જે સુંદર અને સુગંધી ફૂલમાળા તને
પહેરાવી છે, તું બહાર બનાવટી ફૂલોને શું કામ શોધવા જાય છે ? અર્થાત, ઇશ્વર જે
સ્થિતિ-સંજોગો-સમય આપે એમાં, તારે તારી પોતાની જિંદગી સમજવાની અને જીવવાની છે. આ
કાવ્યની શ્રેષ્ઠ કાવ્યપંક્તિઓ..
‘ગુજારે જે
શિરે તારે જગતનો નાથ તે સહેજે;
ગણ્યું જે પ્યારું પ્યારાએ
અતિ પ્યારું ગણી લેજે.’
5=’સાગર અને શશી’-(મણિશંકર
રત્નજી ભટ્ટ ‘કાન્ત’) : આ એક સોનેટકાવ્ય
છે, પ્રકૃતિકાવ્ય છે, કાવ્યારંભે જ
‘આજ’ અને ‘મહાજન’ શબ્દ સાર્થક રીતે
અહીંયા જોઇ શકાય છે. જળ ઉપર ચંદ્રનો ઉદય અભિભૂત કરે છે, અદભૂત દશ્ય છે, હદયનો હર્ષ
જામે છે, ચંદ્રોદયની સાથે નિજાનંદ પણ સ્નેહાળ, સુગંધિત અને સ્વત્વની અનેરી સુગંધ
પ્રસરે છે, જાણે નવલરસ મળે છે, રાત્રિનો ધવલ(સફેદ) એની તાજગી અને તેજ, કોકિલનું
કૂંજન અને સાગરમાં આવતી ભરતી એ ભીતરનાં ભાવમાં પણ ભરતી લાવે છે. જાણે આખીય પૃથ્વી
આનંદિત થઇ ઉઠી, તરલ અને સરલ બની, સૃષ્ટિ સારી સમુલ્લાસ સભર બની છલકી ઉઠે છે.
‘આજ,
મહારાજ ! જલ પર ઉદય જોઇને,
ચંદ્રનો હદયમાં હર્ષ જામે......
કામિની કોકિલા, કેલિ કૂજન કરે’. (વર્ણાનુપ્રાસ
અલંકાર) અને ‘ભાસતી
ભવ્ય ભરતી !’,
‘સૃષ્ટિ
સારી સમુલ્લાસ’
અને ‘દામિની
દમકતી’
આવી સુંદર પંક્તિઓ સાથે વિમલ, કમલ, સરલ, તરલ, જલકમલદલ જેવા શબ્દો ગમી જાય એવા છે,
સુંદર અને સફળ સોનેટ કાવ્ય છે. શીર્ષક આસ્વાદ્યક્ષમ છે.
6=’રસ્તા
વસંતનાં’-મનોજ
ખંડેરિયા :વસંત એટલે શું ?, એની ઓળખ શું ? એનાં આગમનની ઓળખ કઇ ? જૂનાગઢનાં કવિ
મનોજ ખંડેરિયા કહે છે ડાળ ડાળ એ જાણે કે રસ્તા વસંતનાં, ફૂલો એ બીજું કાંઇ નથી, પણ
પગલાં વસંતનાં છે, પવનની મીઠી ને મધુર સુગંધ, જાણે ઇશ્વર રંગોળી કરતા હોય, ‘આજ આંખમાં આંબા
વસંતનાં’,
‘ઉડી
રહ્યા છે યાદનાં અબીલ ને ગુલાલ, હૈયે થયા છે આજ તો છાંટા વસંતનાં’ અને આ ગઝલનાં અંતે ‘ફાટું ભરીને સોનું
સૂરજનું ભરો હવે, પાછા ફરી ન આવશે તડકા વસંતનાં’ આમ ભારતીય
ઋતુચક્રનાં છ મહિનામાં ‘વસંત’નો મહિમા કવિએ ગાયો
છે. સુંદર શબ્દચિત્ર અને ભાવચિત્ર ગઝલકારે ઉભુ કરી દીધું છે.
7=’કન્યા વિદાય’-અનિલ જોશી :
આ એક ગીતકાવ્ય છે. દીકરીની વિદાયને કવિ ‘સમી સાંજનો ઢોલ ઢબૂકતો, જાન ઉઘલતી
મ્હાલે, કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઇને ચાલે...’ સુંદર ભાવનાત્મક
શબ્દચિત્ર ઉપસાવી આપ્યું છે કવિએ. દીકરીની વિદાય અને સાસરિયાપક્ષનાં બહુધા માણસોની
જુદી-જુદી અપેક્ષાઓ મારી દીકરી સંતોષી શકશે ? એ વિચારતાં જ ‘પાદર બેસી ફફડી
ઉઠતી...ઘરચોળાની ભાત, ડૂસકે ડૂસકે હડસેલાતી બાળપણાની વાત’ આગળ આખાયે રસ્તે
ગાડાનું પૈડું જાણે કે રડતું જાય છે, અનેક્નાં અવાજોમાં દીકરીનો અવાજ ઢંકાય જાય,
શૈશવમાં એમણે જે સમણા સેવ્યા છે, સપનાઓ જોયા છે, એ સૂના થઇ જાશે, કવિ ‘સૂનકારમાં ડૂબે’ એમ કહે છે, ‘જાન’ એટલે લગ્નમાં
પ્રસંગનાં સંદર્ભેની સાથે બીજો અર્થ મા-બાપનાં ઘરની જાન અર્થાત ‘આત્મા’ કે ‘જીવ’ એવો અર્થ પણ છે.
કવિ કહે છે ‘જાન
વળાવી પાછો વળતો દીવડો થરથર કંપે’
એમાં ભવિષ્યનો ભય-ડર-ધુજારી-કંપારીનો નિર્દેશ ભારતીય સમાજનું માનસ કેવું છે ? એનો ઘણો
સંકેત કવિ આપી દે છે. ‘ખડકી
પાસે ઉભો રહીને અજવાળાને ઝંખે’
એક કેસરી સાફો પહેરીને આવેલો ‘વરરાજો’ મારા ફળિયાનું
આત્મા જાણે કે હણી ગયો, ઢોલ મોટા અવાજનું પ્રતિક, સામે દીકરીનો ઝીણો અને નાનેરો
અવાજ અનેક અર્થસંકેત આપે છે, સુંદર ભાવવાહી અને દીકરી વિદાય વિષયક આ ગીતરચના
છે.
8=’એ સર્વકાલીન
વાર્તા’-જગદીશ
જોશી : આ એક ગીતકાવ્ય છે. ‘ધારો
કે એક સાંજે આપણે મળ્યાં અને આપણે હળ્યાં, પણ....આખા આ આયખાનું શું ?’ એ પ્રશ્ન બહુ મોટો
છે. વિરહ-વિષાદ અને વ્યથાનું ગાન બને છે, ‘ખુલ્લી આ આંખ અને કોરી કિતાબ, એને ફરી
ફરી કેમ કરી વાંચશું ?’
સામે મળ્યાં, સ્મિત આપ્યું, ઝિલ્યું, પણ મનમાં જે મેઘધનુષ ફોરી ઉઠ્યા એનું શું ?
હૈયામાં બળબળતી રેખાનું શું ? જે બોલતું નથી એવા ફૂલોને પૂછ્યું : કેમ છો? પણ આપણા
પ્રેમ-વિરહની મૂંગી વેદનાનું શું ? કે પછી પ્રેમનાં નામે ખાધું-પીધું-રાજ કિધું ?
9=’જૂનું પિયરઘર’-બ.ક.ઠાકોર :
આ એક સં-સ્મરણનું સોનેટ કાવ્ય છે, શીર્ષક જ ‘જૂનું પિયરઘર’ ઘણું કહી દે છે,
પિયરઘર ખાટલે બેસી, શું સ્મરણે ચડ્યું ? ક્યાં ક્યાં સ્મૃતિઓ ફરી વળી ? જૂના
કેટકેટલા અનુભવનાં અને અનુભૂતિઓનાં પોપડાંઓ ઉખડી પડ્યાં ?કેટલાંક મીઠાં, કેટલાક
ખાટા, કેટલાંક તૂરા અને થોડાંક ખારા, કેવા કેવા સ્મરણો ? મીઠી માવડી, ભવ્યમૂર્તિ
સમાન પિતાશ્રી, વાંકી વળેલી દાદી, બાળકોની સાજે ગોઠડી માંડતી, સૂના સ્મરણો જાણે
સજીવન થયાં, ઘણું નેત્ર ઠારે છે, બાળગોઠિયાઓ, બાલસખીઓ, ભાઇ-બહેન-ભાંડરડાઓ, ખટમીઠી
સોબતો, સ્મૃતિઓ જાણે કે મને ચોરી કે દોરીને ભૂતકાળમાં લઇ ગઇ, ‘બેસી ખાટે
પિયરઘરમાં, જિંદગી જોઇ સારી, ત્યારે જાણી અનહદ ગતિ, નાથ મારા, તમારી’’-આ સુંદર અને સફળ
સોનેટ કાવ્યરચના છે.
10=’વિરહિણી’-બાલમુંકુંદ
દવે : આ કાવ્યમાં કવિ વિરહિણી નાયિકાની મનોવ્યથાને
કાવ્યમાં વણી લે છે, ચૈત્ર મહિનામાં ચંપો મહોરિયો, આંબાડાળ પણ મહોરી, સુગંધિત
મોગરા મઘમઘ્યાંને, એની ફૂલમાળા મેં ગૂંથી છે, બગીચામાં જૂઇ પણ ખિલી ઉઠી, પણ મને
અંતળિયાળ મૂકીને મારો સાયબો ચાલ્યો ગયો છે, ચૈત્ર મહિનાની ચાંદની મને દઝાડે છે,
પિયુ તને ગામતરા કેમ ગમે ?, કોયલનાં કૂંજનમાં મારું કાળજું કોતરાય, વાંસળીના સૂરથી
હું વિહવળ બનું, પલેપલ મારુ ઉર વિંધાય છે, સાનભાન ભૂલીને મારી ઓઢણી પણ ઉંધી ઓઢાય
જાય, વાળ છૂટા રહી જાય, ઋતુ આવી રઢિયામણી, મારા અરમાન-ઇચ્છાઓને તમારા વિના વિના
કોણ જાણે-પામે ?, સમજી જાને શાયબા સાનમાં, આ તો હૈયા કેરી વાત છે, શું તું સાવ
નિર્દય બને એગયો છે ?, એનાં કાંઇ ઢોલ નગારા ના બગાડાય. કવિ કહે છે..
’જૂઇ ઝળૂંબી માંડવે, ને બાગે બાગે ફાલ, તું ક્યાં છો વેરી વાલમા ?, આ
ચૈતર જેવી ચાંદની, ને માણ્યા જેવી રાત; ગામતરાં તને શેં ગમે ? તું પાછો વળ ગુજરાત’ કાવ્યનાં અંતમાં
કવિ કહે છે :’જોબનને
આ ધૂપિયે, પ્રીત જલે લોબાન, રત આવી રળિયામણી, મારા કોણ પ્રીછે અરમાન ?’ ‘ સમજી જાને સાનમાં,
મન બાંધી લેજે તોલ; હોય ઇશારા હેતના, એના ના કાંઇ વગડે ઢોલ !’ આમ,આ એક
પ્રણય-વિરહીણીભાવનું કાવ્ય છે.
11=’જ્યાં લગની
છે.’-મકરંદ
દવે : આ એક ગઝલ રચના છે, શું દરિયાની મોજ(મોજા) કોઇનાં ઓશિયાળા છે ?, એ કેમ ઉછળશે
કાંઠા ઉપર, એનો કોઇને અંદાજ નથી, જીવનમાં પલેપલ કોણ શ્વાસની સિતાર ચલાવે, સુણાવે
છે, એનો બજાવનાર કોણ છે ? ઘડી-બેઘડી તારું સ્મરણ, એનો ઝબકાર થાય તો તું તરત તને
યાદ કરી લઉં છું, મારી હજારો ગફલત હશે, ભૂલો હશે, છતાંયે હે પ્રિતમ તું કેમ વિસરાય
છે ? પ્રકૃતિનાં ક્યાં તત્વમાં તું નથી ?, ‘આ નૂરવિહોણી દુનિયામાં, મેં એક જ નૂર
સદા દીઠું, એક પંખી ટહૂકી ઉઠ્યું તો લાગ્યું કે
તું નારાજ નથી..’
આમ, આ એક સુંદર ગઝલ રચના છે.
12=’ને તમે યાદ
આવ્યાં’-હરીન્દ્ર
દવે : આ એક ખૂબ જ લોકપ્રિય ગીત રચના છે, પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા, જાણે
(ઉપમા અલંકાર) મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો, એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યાં,
કયાંક પંખી ટહૂક્યું ને તમે યાદ આવ્યાં, જાણે (ઉ.અ.) શ્રાવનના આભમાં ઉઘાડ થયો રામ,
એક તારો ટમક્યોને તમે યાદ આવ્યાં, જરા ગાગર ઝલકીને તમે યાદ આવ્યાં,જાણે (ઉ.અ.)
કાંઠો તોડે છે કોઇ મહેરામન, સહેજ ચાંદની ચમકીને તમે યાદ આવ્યાં, કોઇ ઠાલું મલક્યું
ને તમે યાદ આવ્યાં, જાણે (ઉ.અ.) કાનુડાના મુખમાં બ્રહ્માંડ દીઠું રામ, કોઇ આંખે
વળગ્યું ને તમે યાદ આવ્યાં, કોઇ આંગણ અટક્યું ને તમે યાદ આવ્યાં, જાણે (ઉ.અ)
પગરવની દુનિયામાં શોર થયો રામ, એક પગલું ઉપડ્યું ને તમે યાદ આવ્યાં..‘સફળ ગીત છે.
13=’બોલ વાલમનાં’-મણિલાલ
દેસાઇ : મણિલાલ દેસાઇ એ ગુજરાતી કવિતામાં સફળ અને સબળ ગીતકવિ છે, એમની અમર રચના
એટલે ‘ઉંબરે
ઉભી સાંભળું રે બોલ વાલમના, ઘરમાં સૂતી સાંભળું રે બોલ વાલમનાં. ગામને પાદર ઘૂધરા
વાગે, ઉંઘમાંથી મારા સપના જાગે.... કાલ તો હવે વડલા ડાળે ઝૂલશું રે લોલ, કાલ તો
હવે મોરલા સાથે કુદશું રે લોલ, ઝૂલતાં ઝોકો લાગશે મને, કૂદતાં કાંટો વાગશે મને...
આજની જુદાઇ ગોફણ ઘાલી વીંઝશું રે લોલ, વાડને વેલે વાલોળપાપડી વીણશું રે લોલ,
વીંઝતા પવન અડશે મને, વીણતાં ગવન નડશે મને..નડશે રે બોલ વાલમનાં....ઉંબરે ઉભી
સાંભળું રે બોલ વાલમનાં... આ એક સફળ ગીત કાવ્ય છે.
14=’આભાસી
મૃત્યુનું ગીત’-રાવજી
પટેલ-આ કવિ એક સફળ નવલકથાકાર અને નવલિકાકાર છે, એમની ‘અંગત’ કાવ્યસંગ્રહમાંની
શ્રેષ્ઠ અને સબળ કાવ્ય તે ‘આભાસી
મૃત્યુનું ગીત’
છે. ‘મારી
આંખે કંકુનાં સૂરજ આથમ્યાં, મારી વે’લ
શણગારો વીરા, શગને સંકોરો, રે અજવાળા પહેરીને ઉભા શ્વાસ ! રે.. પીળે રે પાંદે લીલા
ઘોડા ડૂબ્યાં, ડૂબ્યાં અલકાતા રાજ, ડૂબ્યાં મલકાતા કાજ, રે હણહણતી મેં સાંભળી
સુવાસ રે !...મારી 0 કાવ્યનો છેલ્લો અંતરો
જુઓ.. ‘મને
રોકે પંછાયો એક ચોકમાં, અડધા બોલે ઝાલ્યો, અડધો ઝાંઝરેથી ઝાલ્યો, મને વાગે સજીવી
હળવાશ રે...’
યુવાનીને ઉંમરે જ કવિને ક્ષયનો રોગ થયો, ડોકટરે કહ્યું : છ મહિના માંડ જીવી શકશો,
બીજી તરફ લગ્નની ઉતાવળ, આ લગ્નગીતનાં ઢાળમાં ક્ષયની પીડાનું દુ:ખનું ગીત છે,
પ્રતીકાત્મક ઘણું ઘણું કહેવાયેલું છે. પીળા પાંદ એ બિમારીનું અને હણહણતી એ
ઘોડાનું-જુવાનીનું પ્રતીક છે.
15=’ખોટ વર્તાયા
કરે’-ગની
દહીંવાલા : આ ગઝલ છે, જીત પર હસતો રહ્યો ને હાર પર હસતો રહ્યો, ફૂલની શૈયા ગણી
અંગાર પર હસતો રહ્યો. જીવનની દરેક સ્થિતિ-સંજોગો-પડકાર-સંઘર્ષ-સમસ્યાઓની સામે સતત
લડતો કાવ્યનો નાયક કહે છે ઇન્સાફ પર અને
ઇન્કાર પર હસતો રહ્યો, જે મળ્યો આધાર એનાં પર હસતો રહ્યો, જીવનમાં ફૂલ, પથ્થર
મળ્યા, દોસ્તો ને દુશ્મનો, પ્રેમ અને વહેમ, હાસ્ય અને રુદન, પ્યાર અને ખાર(ઇર્ષા),
મધદરિયે અથવા મઝધારે, ભોમિયા સાથે કે ભૂલો પડીને કોઇપણ સમય-સ્થિતિમાં હું હસતો
રહ્યો કારણ હાસ્યમાં સંસાર આપણી સાથે હોય છે, રુદન સમાજ અને સંસારને ગમે છે, પણ
એમાં એ સાથે હોતા નથી, એને બીજાનાં દુ:ખમાં રસ નથી, હાસ્યમાં ભાગબટાઇ પડાવે તે
સમાજ અને સંસાર, માણસ જાત !
16=’દુનિયા અમારી’-ભાનુપ્રસાદ
પંડ્યા : આ ગીત કાવ્ય છે, દેખ્યાનો દેશ ભલે લઇ લીધો નાથ, પણ કલરવની દુનિયા અમારી,
વાટે રખડ્યાની મોજ છીનવી લીધી, ને તોય પગરવની દુનિયા અમારી, કલબલતો થાય જ્યાં
પહેલો તે પહોર અને બંધ પોપચામાં રંગોની ભાત, લોચનની સરહદથી છટકીને રણઝણતું, રુપ લઇ
આવેલી આ રાત, લોક મહેરામણનાં અવાજની વચ્ચે વૈભવની દુનિયા છે અમારી, ફૂલોનાં હવે
રિસાઇ ગયા, ત્યારે સુગંધ રાખે સબંધ, અંતે કવિ કહે છે, અનુભવની દુનિયા અમારી છે.
આમ, સમગ્ર કાવ્યમાં એક તરફ પ્રકૃતિનું વિશ્વ અને બીજી બાજુ આપણું પોતાનું વિશ્વ કઇ
રીતે જુદી અને પોતીકું બને છે, એની વાત છે.
17=’પ્રભુ ! જીવન
દે’-રા.વિ.પાઠક
: આ કાવ્યમાં કવિ રા.વિ.પાઠક (ઉપનામ ‘શેષ’) કહે છે, હે પ્રભુ
એવું જીવન દે કે જેમાં, ભલે કોઇપણ પ્રકારનાં રસ્તાઓ, કંટક, કેડી, કાંકરા આવે તોય
આંખમાંથી અશ્રુ ના ખરે, અનેક બંધનોની વચ્ચે, મુર્ખતામાં, હીનતામાં, કૂવાનાં
દેડકાની જેમ સાંકડું સબંધોનું સંસાર જીવન હોય, એમાં તારો સદાય ટેકો રહે, સહાય મળતી
રહે, જીવન ખોટ અને જીવન ઓટ-ની વચ્ચે જીવનનો મહિમા મને શીખવજે, રાત-દિવસ મૃત્યુનાં
મુખમાં દોડીને જતા આ જીવનમાં મરવા માટેનો ભવ્ય-મંગલ અવસર દે જે.
18=’તમને ફૂલ
દીધાનું યાદ’-રમેશ
પારેખ : આ ગીત કાવ્યમાં ધીમે ધીમે ઢાળ ઉતરતી ટેકરીઓની સાખે, તમને ફૂલ દીધાનું
યાદ....એમ કહે છે. કાવ્યની નાયિકા સોનલ છે, ખેતરનાં શેઢે, કમર સમાન લહેરાતી
લીલોતરીમાં તમારી આંખમાં ઝૂલ્યાનું મને યાદ છે, કવિ કહે છે-બરછટ હથેળીની વચ્ચે
ટેરવાની સાથે ઢાળ ઉતરતી ટેકરીમાં હે સોનલ તમને યાદ દીધાનું યાદ છે, ખેતરમાં ચાસ
પાડતાં હળ, એકલું હાંફતું અને દોડતું સસલું ઝાંખરા, ખરતાં પાંદડા, ડાળમાં લટકાવેલ
ઠીબમાં ઓચિંતું ઉડીને આવેલાં નીલા રંગનું પંખી એ સાથે તારી યાદ આવે છે, મારી સોનલ,
આમ, પ્રિયજન સમાન સોનલનાં સ્મૃતિનાં સાથ-સહકારની યાદનું કાવ્ય છે..
19=’મરજીવા’-પૂજાલાલ : આ
સોનેટ કાવ્ય છે, સમુદ્રમાં કમર કસીને જે ઉત્સાહથી મરજીવો જીવનનાં યુધ્ધ ખેલે છે,
એની કવિને ચાહના છે. એને અથાગ સાહસ, બળની ચાહના, ગર્જના કરતા અફાટ દરિયાનો ઘેરો
ગભીર અવાજ ભયાવહ લાગે છે. મરણ સાથે સીધો પ્રતિપળે-દરેક ક્ષણે મોતનો મુકાબલો કરીને
જીવતા મરજીવિયા જાણે કે દરિયાને ખેડવા નહીં, પણ દરિયાને ખુંદવા નીકળ્યા હોય, એવું
કવિને લાગે છે. સોનેટ પ્રકારનાં આ કાવ્યમાં આઠ+છ કુલ ચૌદ પંક્તિનું આ સોનેટ ભાવથી
ગંભીર અને એકંદરે સફળ કાવ્ય બને છે.
20=’મરણ’-ચૂનિલાલ
મડિયા : આ
એક સોનેટ કાવ્ય છે, અહીંયા, જીવનનો મહિમા અને મરણ ગમે પણ એ છૂટક છૂટક નહિં, એમ કવિ
કહે છે. ગોકળગાયની જેમ હળવું, રિબાતું, દુ:ખી કરતું, પીડાઓ આપતું અને મરેલાં જેવું
જીવન કવિને ગમતું નથી, બોજ, ભાર, અપંગ અને જડવત જીવનનો અર્થ શું ? એ પ્રેત જેવી
જિંદગી ના જીવાય તો જ સારું, કવિ મડિયા કહે છે, તામ્રપત્રમાં લખાય એવું જીવન જોઇએ,
કોઇનાં કરજ સાથેનું અને ઉછી ઉધારાવાળું જીવન મને ખપતું નથી, હે મરણ તું મારા
જીવતરની લાજ રાખજે.
21=’કૃષ્ણ-રાધા’-પ્રિયકાંત
મણિયાર : આ એક ગીત કાવ્ય છે. ‘આ
નભ ઝૂક્યું તે કાનજી ને, ચાંદની તે રાધા રે, આ સરવરજલ તે કાનજી ને, પોયણી તે રાધા
રે, આ બાગ ખીલ્યો તે કાનજી ને, લહેરી જતી તે રાધા રે, આ પરવત શિખર કાનજી ને, કેડી
ચડે તે રાધા રે, આ ચાલ્યાં ચરણ તે કાનજી, પગલી પડે તે રાધા રે, આ કેશ ગૂંથ્યા તે
કાનજી ને સેંથી પૂરી તે રાધા રે, આ દીપ જલે તે કાનજી ને આરતી તે રાધા જી, આ લોચન
મારા કાનજી ને નજરું જુએ તે રાધા રે..’
આમ આખાયે ગીતમાં કૃષ્ણ અને રાધાને સામ સામે પૂરક બનાવીને, આ એક રમ્ય-દિવ્ય
કાલ્પનિક યુગલની સાથે કવિએ સુંદર અને ભાવનાત્મક પોતાની વાત મૂકી છે.
22=’નદીની રેતમાં’-આદિલ મંસૂરી
:ભારત-પાકિસ્તાનનાં ભાગલા પછી આ કવિ પાકિસ્તાન અને પછી અમેરિકા ચાલ્યા ગયા, ગત વર્ષે
જ એમનું અવસાન થયું, એ જ્યાં જન્મ્યા,(અમદાવાદ) ત્યાં જ ઉછર્યા અને મોટા થયા,
વતનનો પ્રેમ અને જન્મભૂમિનો ઝૂરાપો એમની પીડામાં વધારો કરે છે, અહીંની આ ગઝલમાં
તેઓ કહે છે :’
નદીની રેતમાં રમતું નગર મળે ન મળે, ફરી આ દશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે, ભરી લો
શ્વાસમાં એની સુંગંધનો દરિયો, પછી આ માટીની ભીની અસર મળે ન મળે, પરિચિતોને ધરાઇને
જોઇ લેવા દો, આ હસતા ચહેરા, આ મીઠી નજર મળે ન મળે, ભરી લો આંખમાં રસ્તાઓ, બારીઓ,
ભીંતો; પછી આ શહેર, ગલીઓ, આ ઘર મળે ન મળે. રડી લો આજ સબંધોને વીંટળાઇ અહીં, પછી
કોઇને કોઇની કબર મળે ન મળે, વળાવા આવ્યા છે એ ચહેરા ફરશે આંખોમાં, ભલે સફરમાં કોઇ
હમસફર મળે ન મળે, વતનની ધૂળથી માથું ભરી લઉં, ‘આદિલ’, અરે ! આ ધૂળ પછી
ઉમ્રભર મળે ન મળે’
આ વતન-જન્મભૂમિનાં ઝૂરાપાની ગઝલ છે.
23=’પગલાં કંકું ઝરતાં’-રાજેન્દ્ર
શુક્લ : આ એક બારમાસી (મધ્યકાલીન સાહિત્ય સ્વરુપ કે જેમાં કારતક મહિનાથી આસો મહિના
સુધી)ની વાત વણી લેવામાં આવતી હોય છે. દૂર વસતાં સાજન (પ્રિયજન)નો વિરહ કારતકથી
શરુ થઇને આસો મહિના સુધી ચાલતો રહે, પણ આસો એ આશા પૂર્ણ કરશે પણ એવું જ્યારે ન બને
ત્યારે વિરહાગ્નિ વધુ તીવ્ર અને જલદ બની જાય છે, પ્રથમ ચાર મહિના શિયાળાનાં, બીજા
ચાર મહિના ઉનાળાનાં અને ત્રીજા ચાર મહિના ચોમાસાનાં કેવા દુ:ખમાં વિતે છે એનો
ચિતાર આ કાવ્યમાં છે.
24= ‘- તો
આવ્યા કને’-ચંદ્રકાંત
શેઠ : શોધતો હતો ફૂલને અને ફોરમ(સુગંધ) મને શોધતી હતી, એકબીજાને શોધતાં શોધતાં ગયા
દૂર, તો આવ્યા બાજુમાં, આંબો, કમળ, વન અને રાત, ચાંદ, ચાંદની, જૂઇનું ફૂલ અને
ઝાકળફૂલ, પગલી અને મારગ એવા સામસામે બે વસ્તુ-સ્થિતિને મૂકી આપીને કવિ ચંદ્રકાંત
શેઠે આ સુંદર ભાવવાહી અને ગીત રુપે આ કાવ્ય આપ્યું છે, સબળ અને સફળ ગીત રચના છે.
25=કોણ?
- સુંદરમ.=
હે પરમાત્મા તું ક્યાં ક્યાં નથી? અર્થાત તું તો સર્વસ્થળોએ વસે છે. પ્રશ્નો
પૂછીને કવિ અંતે તો ઇશ્વર તો બધે જ છે, બધામાં છે, ઇશ્વરને આંગણે ભેદભાવ નથી,
વિવિધતા છે, પણ વિષમતા નથી, વિપુલતા છે, પણ વૈમનસ્ય ભાવ નથી, પુષ્પની પાંદડીમાં
સુવાસ ને સુગંધ કોણ ભરી દે છે? તાજગી કોણ ભરે છે? રંગપૂરણી કોણ કરે છે? આ એક સુંદર
ગીતકાવ્ય છે.
==============================
પાઠ્યપુસ્તકનું
સમગ્રલક્ષી મૂલ્યાંકન=15 ગુણ.
સ્વરુપગત
ચર્ચા (સોનેટ,ગઝલ, ગીત)=15 ગુણ.
વિષયગત ચર્ચા
(પ્રણય, પ્રકૃતિ, ચિંતન)=20 ગુણ.
કાવ્ય આસ્વાદ
માટે : ‘એ જિંદગી’, ‘કન્યાદાન’, ‘જૂનુ
પિયરઘર’, ‘દુનિયા અમારી’, ‘આભાસી
મૃત્યુનું ગીત’, ‘સાગર અને શશી’, ‘પ્રભુ
! જીવન દે’, ‘કોણ ?’, ‘મળે
ન મળે’.=20 ગુણ.
Comments
Post a Comment